Ahmedabad SportsCity Sports

દેવેશ અને માનુષ હારતા નેશનલ ટેબલ ટેનીસ ચૈમ્પિયનશિપમાં ગુજરાતની મેડલની આશા ધોવાઈ

રાંચી : રાંચી ખાતે યોજાયેલી 79મી સિનિયર નેશનલ અને ઇન્ટર સ્ટેટ  ટેબલ ટેનીસ ચેમ્પિયનશિપમાં વ્યક્તિગત ઇવેન્ટમાં ગુજરાતની મેડલની આશા ધોવાઈ ગઈ હતી કેમ કે મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં એ. શરથ કમાલ સામે ગુજરાતના દેવેશ કારિયાનો પરાજય થયો હતો. ત્રીજા રાઉન્ડમાં સાતમા ક્રમના શુભજિત સહા સામે મજબૂત વિજય હાંસલ કરીને અપસેટ સર્જયા બાદ દેવેશે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ ટેબલ ટેનીસ માં આ ડાબેરી ખેલાડીએ વધુ એક યાદગાર વિજય હાંસલ કર્યો હતો. આ વખતે તેણે અનિરબાન નંદીને હરાવ્યો હતો. કમાલ સામેના મુકાબલામાં પ્રવેશવા માટે દેવેશે નંદીને 12-10 11-8 7-11 11-6 11-3થી હરાવ્યો હતો.

કમાલ સામેની મેચમાં ધીમા પ્રારંભ બાદ દેવેશે સારી લડત આપી હતી પરંતુ કમાલનો અનુભવ અને કૌશલ્ય દેવેશ માટે ભારે પડી ગયા હતા. અંતે શરથે 11-2 11-5 9-11 12-10 13-11થી વિજય હાંસલ કર્યો હતો.

અનુભવી ખેલાડી શરથ કમાલ ગુજરાતના અન્ય ખેલાડી માનુષ શાહને ટુર્નામેન્ટમાંથી બહાર કરવામાં પણ કારણભૂત બન્યો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સહાય હાંસલ કરનારા માનુષે આ અગાાઉ ત્રીજા રાઉન્ડમાં બીજા ક્રમના અર્જુન ઘોષને પરાસ્ત કર્યો હતો પરંતુ ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડી પૈકીના એક એવા શરથ કમાલ સામે તે ટકી શક્યો ન હતો. જેમાં તેનો 6-11 8-11 7-11 7-11થી પરાજય થયો હતો.

જોકે હાલમાં પીએસપીબી માટે રમી રહેલા માનવ ઠક્કરે ગુજરાત માટે એક મેડલની ખાતરી કરાવીને ટીમને ઉજવણીની તક આપી છે. રસાકસીવાળી સેમિફાઇનલમાં સુરતનો આ ખેલાડી અમલરાજ સામે 11-6 20-18 9-11 11-13 7-11 10-12થી હારી ગયો હતો. ક્વાર્ટર ફાઇનલમાં માનવે રાજ મોંડલને 11-5, 11-7, 12-10, 11-3 થી હરાવ્યો હતો.

અન્ય એક સુરતી ખેલાડી અને પીએસપીબી માટે રમતા હરમિત દેસાઈનો પણ ક્વાર્ટર ફાઇનલ સાથે લડતનો અંત આવ્યો હતો. તે એ. અમલરાજ સામે હારી ગયો હતો.
Tags
Show More

Related Articles