Ahmedabad SportsCity SportsInterviewText

ગુજરાતમાં મહિલાઓ માટે ઉમદા ઉદાહરણ પૂરૂ પાડતી મહિલા ક્રિકેટર, ગરીબ બાળકોને ફ્રિમાં ક્રિકેટ શીખવાડતી જીજ્ઞા ગજ્જર

અમદાવાદ : ભારતી મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોચીને મોટી સિદ્ધી મેળવી હતી. જેને પગલે દેશમાં મહિલાઓને રમત ક્ષેત્રે આગળ આવવા માટે એક પ્રોત્સાહનનું બળ પુરૂ પાડ્યું હતું. આમ દેશમાં હવે મહિલાઓ સ્પોર્ટસમાં આગળ આવવા માટે તૈયાર થઇ રહી છે. પરંતુ ગુજરાતમાં અમદાવાદની મહિલા ક્રિકેટર છેલ્લા 5 થી વધુ વર્ષોથી શહેરમાં સ્લમ બાળકોને કોઇ પણ ચાર્જ વગર ક્રિકેટ શિખવાડી રહી છે.

 

જીજ્ઞા ગજ્જરે ગુજરાતમાં મહિલાઓ માટે એક અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ક્રિકેટ ક્ષેત્રે જીજ્ઞા ગજ્જરે ગુજરાત ટીમ માટે વર્ષ 2003થી 2008 દરમિયાન વેસ્ટ ઝોન ક્રિકેટ રમી ચૂક્યા છે. પરંતુ લગ્ન બાદ તેની ક્રિકેટ કારકિર્દી આગળ વધી શકી નહીં પરંતુ તેણે પોતાના આ ધ્યેયને અલગ મુકામ આપતા આર્થિક રીતે પછાત અને પ્રતિભાશાળી બાળકોને તૈયાર કરવાનું નક્કી કર્યું. જીજ્ઞા ગજ્જર હાલ ચાંદખેડામાં રિક્ષા ડ્રાઈવર, ચાની કિટલી ચલાવતા વ્યક્તિના, પટાવાળાઓના બાળકોને ક્રિકેટની તાલિમ આપી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે તે ક્રિકેટ શિખવાડવા માટે કોઈ પણ પ્રકારની ફી લેતા નથી અને ક્રિકેટ કિટથી લઇને ન્યૂટ્રિશિયન પણ પૂરૂ પાડે છે. જીજ્ઞા ગજ્જરે જણાવ્યું હતું કે મારા લગ્ન થયા ત્યાં સુધી વેસ્ટ ઝોનમાં મહારાષ્ટ્ર, બરોડા, વિદર્ભ અને ગોવા જેવી ટીમો સામે રમતી હતી. પરંતુ લગ્ન બાદ પારિવારિક જવાબદારીના કારણે ક્રિકેટ માટે સમય આપવો મુશ્કેલ બન્યો હતો. ત્યારબાદ મને વિચાર આવ્યો કે BCCI નો કોચિંગ કોર્સ કરી અને ત્યારબાદ ગરીબ અને આર્થિક રીતે પછાત એવા પ્રતિભાશાળી બાળકોને ક્રિકેટ શીખવવાનું શરૂ કરું અને આ વિચારને હકિકતમાં બદલવા માટે મારા પરિવારે મારો ખુબ સપોર્ટ કર્યો છે. જોકે મારા માટે આ માર્ગ પણ પડકાર ભરેલો રહ્યો છે. જાતે કોર્પોરેશન અને સરકારી શાળામાં જઈને બાળકોની પસંદગી કરી અને ત્યારબાદ તેમના માતા પિતાને પણ આ માટે સમજાવ્યા. તેમણે કહ્યું હતું કે હું બાળકોને ક્રિકેટ શીખવાડીને આગળના સ્તરે સિલેક્શન માટે મોકલવાના હોય ત્યારે તેમના માતાપિતાને સમજાવવા તે મારા માટે કપરૂ કામ રહે છે.
હાલમાં તેમની પાસે 10થી 15 વર્ષની ઉંમરના 50 થી વધું છોકરાઓ અને છોકરીઓ ક્રિકેટ શીખવા આવે છે. જીજ્ઞાએ કહ્યું કે શરૂઆતમાં બાળકો સ્લિપર પહેરીને આવતા હતા. પરંતુ મેં તેમને કિટ આપવાનું શરૂ કર્યું. આ માટે મને મારા પતિ અને સાસરીયાઓ તરફથી ઘણો જ સહકાર મળ્યો છે. હાલમાં તેઓ ક્રાઉડ ફન્ડિંગ દ્વારા ફંડ ઊભુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ માટે તેમને મિલાપ સંસ્થા દ્વારા ઘણી મદદ મળી રહી છે. તેમનું કહેવું છે કે આ બાળકોમાં ઘણી પ્રતિભા છે અને હું એક દિવસ તેમને ઉચ્ચ સ્તરે ક્રિકેટ રમતા જોવા ઈચ્છું છું.

Tags
Show More

Related Articles