Ahmedabad SportsCity Sports

ગુજરાત ટેબલ ટેનીસ એસોસીએશન દ્રારા વર્લ્ડ ટેબલ ટેનિસ ડેની ઉજવણી કરાઇ

6 એપ્રિલ (SportsDiary), અમદાવાદ : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશને તેના સ્ટાર ખેલાડી હરમિત દેસાઈ અને માનવ ઠક્કરે 2017માં હાંસલ કરેલી ઉદાહરણરૂપ સિદ્ધિઓને બિરદાવવાની સાથે તેમનું સન્માન કરીને આજે વર્લ્ડ ટેબલ ટેનિસ દિવસની ઉજવણી કરી હતી. એરૈના બાય ટ્રાન્સ સ્ટેડિયા ખાતે ગુરુવારે યોજાયેલા એક ભવ્ય સમારંભમાં એસોસિયેશને 2017ના વર્ષમાં તમામ દસ કેટેગરીમાં ચેમ્પિયન બનેલા ખેલાડીઓને પણ પુરસ્કાર એનાયત કર્યા હતા.

હરમતિ દેસાઈ સળંગ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારો  ગુજરાતનો પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી બન્યો હતો. ગત મે મહિનામાં સુરતનો આ ખેલાડી નર્લ્ડ ટોપ 100 ક્રમાંકમાં સ્થાન હાંસલ કરનારો ગુજરાતનો પ્રથમ ખેલાડી બન્યો હતો. હરમિત હાલમાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી  કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યો છે અને કરોડો ભારતવાસીઓની આશા તેની ઉપર મંડાયેલી છે કેમ કે તે મેડલનો દાવેદાર મનાય છે. 2014ની ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પણ હરમિતે ભાગ લીધો હતો. ગુરુવારે હરમિતના માતા-પિતાએ તેને બદલે એવોર્ડ સ્વિકાર્યો હતો.

દરમિયાન વર્લ્ડ જુનિયર રેન્કિંગમાં સ્થાન હાંસલ કરનારો સૌપ્રથમ ભારતીય જુનિયર ખેલાડી બનેલા માનવ ઠક્કરને પણ ગુરુવારે સન્માનિત કરવામાં આવ્યો હતો. 2017માં જુનિયર સરકિટમાં તે સૌથી સફળ ખેલાડી રહ્યો હતો. આ યુવાન ખેલાડી જાપાન ખાતેની 31મી એશિયન કપ ટેબલ ટેનિસમાં ભારતની આગેવાની લેશે. માનવને ઓલરઓલ પ્લેયર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો. તેના વતી તેના વાલીઓએ એવોર્ડ સ્વિકાર્યો હતો. નીશીત મેહતા , સીની.ઉપ પ્રમુખ, હરેશ સંગતાણી,સેક્રેટરી, જીએસટીટીએ અને ટ્રાન્સ ટેડિયા ના સી.ઓ.ઓ. નીતિન બેરી ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ કેટેગરીમાં એવોર્ડ વિજેતા ખેલાડીઓ આ મુજબ હતા. અનુજ જોશી અને રૂત્વા કોઠારી (કેડેટ), ચિત્રાક્ષ ભટ્ટ અને ફિલઝાહ ફાતીમા કાદરી (સબ જુનિયર), માનુષ શાહ અને ફિલઝાહ ફાતીમા કાદરી (જુનિયર), ઇશાન હિંગોરાણી અને ફિલઝાહ ફાતીમા કાદરી (યૂથ), હરમિત દેસાઈ અને ફ્રેનાઝ છિપિયા (સિનિયર). નેશનલ ચેમ્પિયનશિપમાં મેડલ વિજેતા દેવેશ કારિયા, જિજ્ઞેશ જયસ્વાલ અને જલય મહેતા (તમામ સિનિયર કેટેગરીમાં) અને કૌશલ ભટ્ટ (જુનિયર)નું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.

ખેલાડીઓની સફળતા પાછળ વિવિધ કોચના યોગદાનની પણ કદર કરીને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશને વિવિધ કોચનું પણ સન્માન કર્યું  હતું જેમાં વાહેદ મુળુભાઈ (કેડેટ અને સબ જુનિયર), શૈલેષ ગોસાંઈ (જુનિયર અને યૂથ) અને ભૌમિક ઓઝા (સિનિયર)નો સમાવેશ થતો હતો. દુર્ગાપુર ખાતે નેશનલ જુનિયર અને યૂથ ચેમ્પિયનશિપમાં  મેડલ જીતનારી ગુજરાતની ટીમના કોચ નિલય વ્યાસ અને અંકુર જોશીનું પણ સન્માન કરાયું હતું.

મહિલા ખેલાડી શાઇની ગોમ્સ, ભાવિના પટેલ અને પ્રસુન્ના પારેખ (વેટરન્સ)ને પણ તેમની વિવિધ સફળતા માટે સન્માનિત કરાયા હતા.

સપ્ટેમ્બર 2017માં ધ એરેના બાય ટ્રાન્સ સ્ટેડિયા ખાતે યોજાયેલી 30મી એશિયન કપ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપને સફળ બનાવવામાં યોગદાન આપનારી એસોસિયેશનના વિવિધ સમિતિઓના સદસ્યોનું પણ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશને સન્માન કરીને તેમને બિરદાવ્યા હતા.

Tags
Show More

Related Articles