Ahmedabad SportsCity Sports

વર્લ્ડ યૂથ ચેસમાં ભારતીય ટીમ રનર્સ અપ રહી

અમદાવાદ : અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડ ઇવેન્ટમાં રશિયન ટીમ ચેમ્પિયન બની હતી. ભારતીય ચેસ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલી વર્લ્ડ યૂથ ચેસ ચેમ્પિયનશિપમાં રશિયાની ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે ભારતીય ગ્રીન ટીમ રનર્સ અપ રહી હતી. રશિયાએ આર્મેનિયાને હરાવીને પોતાનું ટાઇટલ નિશ્ચિત કરી લીધું હતું. ઇરાનની ટીમ ત્રીજા ક્રમે રહી હતી.

ઇન્ડિયા ગ્રીન ટીમે છેક સુધી ટક્કર આપી હતી અને નવમા રાઉન્ડમાં શાનદાર રમત દાખવી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં રશિયા અજેય રહ્યું હતું પરંતુ નવમા રાઉન્ડમાં ભારતીય ટીમ સામે તેનો 2.5-1.5થી પરાજય થયો હતો. ભારત માટે ઇ. અર્જુન અને મિત્રભા ગુહાએ સફળતા અપાવી હતી.

જોકે આ પરાજય છતાં રશિયા મોખરે રહ્યું હતું. તેણે 14 પોઇન્ટ હાંસલ કર્યા હતા. ભારતીય ગ્રીન ટીમે કઝાકસ્તાન સામે અડધો પોઇન્ટ જતો કરવો પડ્યો હતો પરંતુ અંતે તે 13 પોઇન્ટ સાથે બીજા ક્રમે રહી હતી. બીજી તરફ ઇરાને પણ તેનું વર્ચસ્વ જમાવીને બેલારુસને 4-0થી હરાવી ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.

આ સફળતા સાથે રશિયાએ ગોલ્ડ મેડલ અને 1250 યુરોની રકમ જીતી હતી. ભારતીય ગ્રીન ટીમે સિલ્વર મેડલ અને 1000 યુરો તથા ઇરાને બ્રોન્ઝ મેડલ અને 800 યુરોનો પુરસ્કાર હાંસલ કર્યો હતો. ટીમ ઇન્ડિયા ગ્રીનમાં નિહાલ સરીને થર્ડ બોર્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતના પી. ઇનિયાને આઠ ગેમમાંથી સાત પોઇન્ટ હાંસલ કર્યા હતા.
ટુર્નામેન્ટને અંતે ફિડેના વાઇસ પ્રેસિડેન્ટ ડીવી સુંદર, ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સેક્રેટરી ભરતસિંહ ચૌહાણ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનના પ્રેસિડેન્ટ અજય પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ જયેશ મોદી, સેક્રેટરી ભાવેશ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ઇનામ વિતરણ કર્યું હતું.

વર્લ્ડ ચેસ ફેડરેશને આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ભારતને ફાળવી હતી અને ભારતીય ચેસ એસોસિયેશને ગુજરાત સ્ટેટને આયોજન સોંપ્યું હતું. વિશ્વના 25 દેશની 30 ટીમોએ તેમાં ભાગ લીધો હતો. જેમાં ગ્રાન્ડમાસ્ટર, ઇન્ટરનેશનલ માસ્ટર ખેલાડીઓએ ભાગ લીધો હતો.

Tags
Show More

Related Articles