City SportsSurat Sports

આજથી સુરતમાં સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં ગુજરાતના 450 ખેલાડીઓ રમશે

11 જુન, (SportsDiary.in), સુરત : આજથી સુરત શહેરમાં Table Tennis રમતમાં સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ શરૂ થશે. જેમાં ગુજરાતના કુલ 450 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. સુરતના સરીતા સાગર સંકુલ ટ્રસ્ટ ખાતે આ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. આ વર્ષથી દરેક કેટેગરીમાં મોખરાના 16 ખેલાડીઓ  મેઇન ડ્રોમાં સીધા જ ક્વોલિફાઈ થશે. તો અન્ય ખેલાડીઓએ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં રમીને આવવાનું રહેશે. મેન્સ વિભાગમાં ક્વોલિફાઈંગ ડ્રોમાં 26 વિવિધ ગ્રૂપમાંથી 78 ખેલાડીઓ રમશે જેમાંથી દરેક ગ્રૂપના મોખરાના ખેલાડી મેઇન ડ્રોમાં આગેકૂચ કરશે.

બરોડાનો યુવા ખેલાડી માનુષ શાહે આ વખતે પોતાની સંસ્થાને બદલે ગુજરાત માટે રમવાનું પસંદ કર્યું છે અને તેને કારણે ટુર્નામેન્ટ રોમાંચક બની છે. તો ગયા વર્ષે જલય મહેતા અને જિજ્ઞેશ જયસ્વાલ બંને રીતે રમ્યા હતા. માનુષ શાહના ઉમદા પ્રદર્શનને કારણે ગુજરાતે રાંચી ખાતેની સિનિયર નેશનલમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. જોકે આ વખતે સ્થાનિક ખેલાડી અને ભૂતપૂર્વ જુનિયર નંબર વન માનવ ઠક્કરની ખોટ પડશે કેમ કે આગામી અલ્ટિમેચ ટેબલ ટેનિસમાં રમનારો માનવ અને સુરતનો હરમિત દેસાઈ અલ્ટિમેટ ટીટીમાં રમવાના છે.

વિમેન્સ વિભાગમાં 25 ખેલાડી ક્વોલિફાઈંગ રાઉન્ડમાં છે. જેને 8 ગ્રૂપમાં વહેંચી દેવામાં આવ્યા છે અને મેઇન ડ્રોમાં તેઓ મોખરાના 8 સ્થાન માટે હરિફાઈ કરશે. ગઈ વખતની ચેમ્પિયન અને સુરતની ફ્રેનાઝ છિપીયા આ વખતે પણ ફેવરિટ તરીકે પ્રારંભ કરશે. ભૂતપૂર્વ ચેમ્પિયન દિવ્યા ગોહીલ ક્વોલિફાઈંગ રાઉન્ડના પરિક્ષણમાંથી પસાર થઈ જશે તો તે ફ્રેનાઝ માટે પડકારરૂપ બની રહેશે. માતા બનવાની હોવાને કારણે દિવ્યાએ ગયા વર્ષે તમામ સ્ટેટ રેન્કિંગ અને સ્ટેટ ચેમ્પિયનશિપમાંથી નામ પરત ખેંચી લીધું હતું. યજમાન સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનને આ વખતે વિક્રમી સંખ્યામાં 832 એન્ટ્રી મળી છે જેમાં કુલ 450 ખેલાડી ભાગ લેનારા છે.

Tags
Show More

Related Articles